Shradhanjali – Shri Navnitbhai Shivshankar Jani
અત્યંત દુ:ખ સાથે જણાવવાનું કે મંડળના પ્રમુખ નવનીત શિવશંકર જાનીનું તા.૧૪/૦૨/૨૦૨૧ના આપણા મંડળના કાર્યાલયમાં જ અવસાન થયું છે. શિસ્તના આગ્રહી, મિલનસાર, એકાઉન્ટના પાક્કા જાણકાર, સરકારી કાર્યો-પત્ર વ્યવહારમાં નિપુણ, મંડળની પ્રવૃત્તિઓની માહિતી મેળવવા સદેવ ઉત્સુક, તત્કાળ કાર્યવાહી અને અમલ કરાવવાના આગ્રહી હતા અને સહકાર આપતા હતા.
ગત માર્ચમાં વિદાઈ લેનારી સમિતિમાં મંત્રી તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક સુપેરે અદા કરી હતી. કોરોના ઉપદ્રવના ગાળામાં અસર્ગ્રશ્તોને દાન અને સહાય મળે એ જવાબદારી અદા કરવા સતત સક્રિય રહ્યા હતા. કોરોનાકાળમાં જ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ની સમિતિમાં પ્રમુખપદની જવાબદારી સ્વીકાર્યા પછી કેલેન્ડરનું પ્રકાશન, વિતરણ, દિવાળીની બોણી, શિષ્યવૃત્તિ-સહાયનું વિતરણ તેમજ પત્રિકા પ્રગટ કરવાના કામ તેમની રહ્બારી હેઠળ જ થયા હતા.
મંડળને તાજેતરમાં પ્રાપ્ત થયેલ આવકવેરા અંગેના ૧૨AA અને ૮૦જી ના પ્રમાણપત્ર મેળવી આપવા તેમણે કરેલા અથાગ પ્રયત્નોએ તેમની મંડળના સેવાકાર્ય દરમિયાન પ્રાપ્ત કરેલી અતિ મહત્વની સિધ્ધિ હતી. તેમણે જ્ઞાતિજનોને મંડળના સેવાકાર્યને વધુ સઘન બનાવવા માટે સુચનો મોકલવાનો અનુરોધ પત્રિકા ૧૨૧ માં કર્યો હતો, તે પત્રિકા લોકોના હાથમાં પહોચવાની શરૂઆત થઇ છે ત્યારે તેઓ આપણને છોડી ગયા છે. તેમના વિચારો મંડળના આગામી હોદ્દેદારો માટે માર્ગદર્શક નીવડશે. મંડળની સેવા માટેના તેમના સપના અધૂરા રહ્યા છે. તેમની ચિરવિદાયથી મંડળને મોટી ખોટ પડી છે. રવિવારે બપોરે મંડળની કારોબારીની બેઠક હતી. તેના માટે તેઓ વહેલા ૧૧ વાગે જ કચેરીમાં પહોચી ગયા હતા. ત્યાં મંડળનું કામ કરતાં જ તેમને તીવ્ર હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. મંડળના પ્રમુખ હોદ્દા ઉપર અવસાન પામ્યા હોય એવી આ પ્રથમ ઘટના છે. નવનીતભાઈ અંતિમશ્વાસ સુધી મંડળની સેવા કરતા વિદાય થયા છે. મંડળ પ્રત્યેના પ્રેમને કારણે જ તેમણે ૧૪, ફેબ્રુઆરીનો દિવસ પસંદ કર્યો હશે એવો વિચાર આવી જાય. જ્ઞાતિજનો પ્રત્યેનો તેમનો પ્રેમ અમર થઇ ગયો.
મંડળમાં ચાર વર્ષના ગળામાં વિવિધ સેવા પ્રવૃતિઓની જાણકારી મેળવી તેને વધુ સધન બનાવવાના સપના સેવ્યા હતા. મંડળની કચેરીમાં બનેલા આ દુ:ખદ બનાવથી બધા જ જ્ઞાતિજનો અને કાર્યકરોને આધાત લાગ્યો છે. ગત શનિવારે જ મંડળની કચેરીના મકાનના પુન:વિકાસ અંગે સાથી હોદ્દેદારો સાથે બેઠકમાં સહભાગી થયા હતા. ચાર દિવસ પછી ચેરીટી કમિશનરની કચેરીમાં બેઠક યોજવા માટે પત્ર તૈયાર કરવા રવિવારે કચેરીમાં વહેલા પહોચ્યા હતા. પણ નિયતિએ કઈંક અલગ જ નિધાર્યું હતું.
જનકલ્યાણ ટ્રસ્ટ, બ્રહ્મપુરીમાં તેઓ ટ્રસ્ટી પદે હતા અને ત્યાં પણ કાર્યભાર સુપેરે સાંભળી રહ્યા હતા. દોઠ વર્ષ પહેલા બીજી મુદ્દત માટે ચુંટાયા હતા.
‘મંડળ’ના ટ્રસ્ટીઓ અને કરોભારી સમિતિના સભ્યો ખિન્ન હ્રુદયે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અને સદ્દગતિ આપે તેમજ પરિવાજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
ઓમ શાંતિ.